મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Wednesday 15 August 2012

કારગિલ યુદ્ધ

કારગિલ યુદ્ધમાં કેટલાય ગુજરાતી દીકરાઓએ શહાદત વહોરેલી. એમણે પરિવારજનોને લખેલા પત્રોમાં એમની ઝિંદાદિલ છબી ઝિલાય છે...

   અમદાવાદથી મૂળી તાલુકા (સુરેન્દ્રનગર જિલ્લા)ના આર્મીમેન દિલીપસિંહ ચૌહાણને બધા નાનપણના ભેરુ તરીકે માત્ર ‘દિલુ’ કહીને સંબોધતા ટીકર ગામના એક ભાઈ  કહે છે, ‘વીસમી જૂન, ૧૯૯૯એ દિલુને ટીકરના સ્મશાનમાં અગ્નિદાહ અપાયો તે દિવસે આખું ગામ બંધ રહ્યું હતું અને સ્મશાનમાં પાંચસો માણસો ભેગા થઇ ગયા હતા. બીજા દિવસે હું દિલુ સાથેના દિવસો સંભારતો હતો ત્યાં ટપાલી આવ્યો અને તેણે દિલુનો લખેલો ઇનલેન્ડ લેટર આપ્યો. મને જાણે દિલુ મળી ગયા જેવો હરખ થયો.

એ પત્રમાં દિલુએ વર્લ્ડ-કપમાંથી ભારત ફેંકાઇ ગયું એટલે મેચની મજા મરી ગઇ છે એમ લખેલું. બધાને યાદ કરેલા. પોતે નિયમિત જવાબ ન આપી શકે તો પણ અમારે સમયસર પત્રો લખવાની ભલામણ કરેલી. હું આગલે દી જ તેની સ્મશાનયાત્રામાં જઇ આવ્યો હતો. હવે દિલુને ક્યાં પત્ર લખું?’
હા, એ ૧૯૯૯ના અને પાકિસ્તાનના કારણે જન્મેલા કારગિલ કાંડના દિવસો હતા અને આખો દેશ ઊભડક જીવે જીવતો હતો. રોજ ધ્રાસકો આપતા ખબર માધ્યમો થકી આવતા હતા અને તેમાં ગુજરાતી સૈનિકોની શહીદીના સમાચાર પણ મળતા હતા.

એ શહીદોને યાદ કરવા માટે ૧૫મી ઓગસ્ટના આ દેશદાઝવાળા માહોલથી યોગ્ય અવસર કયો મળવાનો? કપડવંજ તાલુકાના નિરમાલી ગામના દિનેશ મોહનભાઇ પણ કારગિલમાં શહીદ થયા હતા. તેમણે શહીદ થતાં પહેલાં એક પત્ર લખેલો. માતા-પિતાને લખેલા એ પત્રમાંના કેટલાક શબ્દો આ પ્રમાણે છે: ‘હું કાંઇ નાનો કીકલો થોડો છું, તે મારી ચિંતા કર્યા કરો છો? મારી સાથે તમારો પ્યાર, તમારા આશીર્વાદ અને બજરંગબલિનો સાથ છે ત્યાં સુધી દુનિયાની કોઇ તાકાત મારું કાંઇ જ બગાડી નહીં શકે અને હવે પછી મારી ચિંતા છોડી દેજો.’

પણ દિનેશે દ્રાસ સેક્ટરમાં લડતાં લડતાં દુનિયા જ છોડી દીધી. તેમનું પોસ્ટિંગ આ સેક્ટરમાં થયું હતું એ વિશે તેમણે મા-બાપને જણાવ્યું જ નહોતું. તેમના મૃત્યુ પછી જ તેમના ઘરના લોકોને આ બાબતની જાણ થઇ. પુત્રની વીરગતિના સમાચાર બાદ માતા સમુબહેન હોશકોશ ગુમાવી બેઠાં હતાં. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના મુકેશ રાઠોડનો અંતિમ પત્ર પણ તેમના મોત પછી ઘર પહોંચ્યો. તેમણે પણ પરિવારજનોને ચિંતા ન કરવા કહ્યું હતું અને પોતે મહિનાની રજા લઇને ઘરે આવી રહ્યા છે એવા ખુશખબર પત્રમાં લખ્યા હતા. કારગિલ મોરચે લડતાં લડતાં ચોથી જૂને લાપતા થયેલા મુકેશનો મૃતદેહ ૨૬ જૂને મળ્યો. મૃતદેહ અત્યંત ખરાબ થઇ ગયો હોવાથી તેને અમદાવાદ લાવવાને બદલે શ્રીનગર ખાતે જ તેની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના મહિપતસિંહ અને અશોકસિંહ પછી શહીદ થયેલા આ ચાર જવાનોમાંના દિલીપસિંહ ચૌહાણ એસએસસી પાસ કરીને આર્મીમાં ડ્રાઇવર બનવાની ખ્વાહશિ ધરાવતા હતા. એ માટેની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ પાસ થઇ ગયા પછી છેલ્લાં બે વર્ષથી આસામના રંગાપુર વિસ્તારની તેજપુર રેજિમેન્ટમાં હતા. મિલિટરીનાં વાહનો દ્વારા માલસમાન અને શસ્ત્રસરંજામ લઇ જવાની કામગીરી દિલીપસિંહ ચૌહાણે અવારનવાર બજાવી હતી. જૂનના બીજા અઠવાડિયામાં તેમને સરહદ પર શસ્ત્રસરંજામ પહોંચાડવાની એક કામગીરી સોંપાઇ હતી. રસ્તો બહુ કઠિન હતો. ખીણની ધાર પર ટ્રક ચલાવવાની હતી. દિલીપસિંહના પિતા ડાહ્યાભાઇ ચૌહાણ કહે છે, ‘એ લોકો આઠ વાહનોનો કોન્વોય લઇને નીકળ્યા હતા.

દિલીપ આર્મીની એક ટ્રક ચલાવતો હતો. તેઓ શસ્ત્રસરંજામ અને માલસામાન પહોંચાડીને પાછા ફરતા હતા તેમાં દિલીપની ટ્રક ત્રીજી હતી. એ રસ્તો એટલો જોખમી હતો કે તેના પર ગાડી ચલાવવા માટે ડ્રાઇવર તરીકેની આવડત ઉપરાંત નસીબના સાથની પણ જરૂર પડે, પણ નસીબે દિલીપસિંહને દગો દીધો અને તેનું વાહન સ્લિપ થયું. દિલીપનો મૃતદેહ લાવનારા આર્મી ઓફિસર અશોકકુમાર બાલીએ અમને કહ્યું, ‘અકસ્માત થતાં દિલીપ જે વાહન ચલાવતો હતો તે ચારસો ફૂટ ઊંડી ખીણમાં જઇ પડ્યું, પણ દિલીપ ફંગોળાઇને સો ફૂટ ઊંડે ખીણમાં પડ્યો હતો. આર્મીવાળાએ તેને બહાર કાઢ્યો ત્યારે તે ભાનમાં હતો, પણ લોહી વહેતું હતું. તેને તરત સારવાર અપાઇ, પણ ૧૬મી જૂને તેણે શ્વાસ મૂકી દીધો.’

દિલીપસિંહ દુશ્મનની સામે લડતાં લડતાં નથી મર્યા, પરંતુ તેમણે સરહદે પહોંચાડેલાં શસ્ત્રો છેવટે તો દુશ્મનોને જ ખતમ કરવા માટેનાં હતાં. મોરચે લડતાં સૈનિકો જ શહીદ થાય છે એવું નથી. આવી રીતે પડદા પાછળ રહીને કામ કરનારા અનેક લોકો પણ દેશની રક્ષાના કાર્યમાં ખતમ થઇ જાય છે. તેમનાં પરિવારજનો માટે તેમનું મોત પણ મોરચે લડતા શહીદના મોત જેટલું જ દુ:ખદ છતાં ગૌરવપ્રદ હોય છે.

લશ્કરની ત્રણેય પાંખમાં ડ્યુટી પર જાન ગુમાવનારાને શહીદ તરીકેનું સન્માન અપાય છે. ગુજરાત સરકારે પણ કારગિલના શહીદોની જેમ જ શહીદ દિલીપસિંહ ચૌહાણના પરિવારને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દિલીપસિંહનો નાનો ભાઇ અજિત કહે છે, ‘મારે પણ આર્મીમાં જવું હતું, પણ દિલુ આર્મીમાં જોડાતાં તેણે પિતાને ખેતીમાં મદદ કરવા માટે મને કહ્યું એટલે હું આર્મીમાં ન જોડાયો. હવે ઘરની જવાબદારી મારી પર છે, એટલે ભવિષ્યમાં શું કરીશ એ નક્કી નથી.’

૧૯૯૫માં આર્મીમાં જોડાયેલા દિલીપસિંહે બે વર્ષ પહેલાં જ, ૧૯૯૭માં, નારીચાણા ગામના જશુભાઇ રાજપૂતનાં દીકરી મૈયાબહેન સાથે લગ્ન કર્યા હતાં. બે જ વર્ષમાં મૈયાબહેનને ‘શહીદનાં વિધવા’ બનવું પડ્યું છે. ટ્રેજેડી તો એ છે કે તેમણે દોઢ માસ પહેલાં જ જન્મ આપેલા બાળકનો ચહેરો જોયા વગર જ દિલીપસિંહ શહીદ થઇ ગયા. દિલીપસિંહના મિત્રકહે છે, ‘દોઢેક મહિના અગાઉ મેં ખાસ બે વખત દિલુને મારાં લગ્નમાં તેડાવેલો ત્યારે તે દસ દિવસની રજા લઇને આવેલો. લગ્ન પછી પાંચમીએ ગયો અને સાતમીએ તે ડ્યુટી પર જવા આસામ નીકળી ગયો. પ્રથમ સુવાવડ હોવાથી પત્ની પિયરમાં હતી તેથી તે પુત્રનું મોઢું જોવા પણ જઇ શક્યો નહોતો.’

દરેક મૃત્યુ સાથે એક ટ્રેજેડી જન્મતી હોય છે, પણ શહીદના કિસ્સામાં એ બેવડાઇ જાય છે. જે ટ્રિપમાં દિલીપસિંહ શહીદ થયા એ ટ્રિપ પર જતાં પહેલાં તેમને બોલાવીને આર્મીના અધિકારીએ તેમને બદલીનો ઓર્ડર આપ્યો હતો. ડ્યુટી બજાવીને આવ્યા પછી દિલીપસિંહે રાજસ્થાનનો ચાર્જ સંભાળવા ચાલ્યા જવાનું હતું પણ... બદલીના ઓર્ડર સાથે ઉપરી અધિકારીએ આપેલી શુભેચ્છા પ્રેઝન્ટ જેવી કી-ચેન, ડાયરી વગેરે દિલીપસિંહના મૃતદેહ સાથે ટીકર લવાઇ હતી. એ વસ્તુઓ જોતાં જ દૂર ક્યાંક એક અવાજનો પડઘો કાયમ પડતો રહેશે: કુછ યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ના આયે!


જય જવાન જય કિશાન  

No comments:

Post a Comment